Friday, January 13, 2017

Yes I Miss Surat....

ગુજરાત સમાચારની પૂર્તિ 'શતદલ'માં જય વસાવડાનો ખૂબ હ્રદયસ્પર્શી લેખ આવ્યો છે,વતન વિશે... મારું વતન એટલે સુરત. એ સુરત જ્યાં જન્મીને મેં યુવાની માણી છે, નર્મદ લાયબ્રેરીથી માંડી પીપલોદનાં રસ્તા જ્યાં મને પોતાના લાગે છે,vr mall હોય કે અભિનન્દન માર્કેટ શોપિંગ કરવાની મજા પણ ત્યાં જ આવે છે, તહેવારોની ઉજવણી કે એક્ઝિબિશન ત્યાં જ મહાલવાનો ઉમળકો જાગે છે. અંતર ઢંઢોળીને અવાજ લગાવીને પૂછ્યું તો મન કહે, "હું તારામાં રહું છું એટલે તને અહીં ગમે છે."

સદ્દભાગ્યે મારું સાસરું અને પિયર બંને સુરતમાં છે અને હું રહું છું પૂના. સુરતથી બહુ દૂર નથી અને સુરતનો મારો ઝૂરાપો એકથી દોઢ મહિના કે બહુ બહુ તો બે મહિના જેટલો જ હોય છે. પછી હું અકળાવા માંડું એટલે વિષ્ણુ સમજી જાય કે back to pavilion થવાનો સમય થઇ ગયો છે.

ઘણાં એમ કહે કે ત્યાં એકલાં જ તો રહો છો, શું ટેન્શન તમારે, મન ફાવે ત્યારે કામ કરવાનું, કોઇ રોકટોક નહીં, સ્પાય કેમેરાની જેમ નજર રાખનારા પાડોશીઓ નહીં, શું મજાની લાઇફ છે! એ સત્ય છે પણ આભાસી સત્ય છે. સગાં વ્હાલાનો પ્રેમ,સંભાળ, કાળજી, તહેવારોની પોતાનાઓ સાથે મળી કરેલી રંગેચંગે ઉજવણી,હરવા ફરવાનું, સુરતની ખાણીપીણી બધું એકસાથે માનસપટ પર છવાઇ આવે છે અને શરુ થાય છે ઝૂરાપો... વતનનો ઝૂરાપો.... આ ઝૂરાપાને જન્મભૂમિથી બહાર ગયેલા જ કદાચ સારી રીતે સમજી શકશે. શિખામણો આપવી સહેલી છે પણ જ્યારે તમારું બાળક દાદા દાદી કે નાના નાની માટે રડે ત્યારે તમારી આંખમાંથી પણ લાચારી ટપકે છે.

અહીં અમે ત્રણ જ એકબીજાનો સહારો છીએ,ત્યાં બધાં છે. હું ઘરનાંને ઘણીવાર કહું છું કે અમારા ત્રણમાંથી એકપણ જણ માંદું પડે તો આખું ઘર અટવાઇ જાય છે. અહીં અમારા ત્રણમાં આખી દુનિયા આવીને સમાય છે. અમે જ એકબીજાનો સહારો છીએ એટલે ગમે તેટલી 'સ્પેશ' જોઇતી હોય તો પણ એ સહારો ઝૂંટવી લેવાની ખુદગર્જી થતી નથી. ત્યાં આપોઆપ બધું સચવાય જાય છે. ૠતાંશ દાદા-દાદી, નાના-નાની, ફોઇ-ફુઆ, મામા, માસી વચ્ચે સેલિબ્રિટી સ્ટેટશ ભોગવે છે અને અમને મળે છે સ્પેશ...

સવારે ઊઠીને ટીફીન માટે કરેલી દોડધામ એટલે પૂના. રમકડાં ઊંચકી ઊંચકીને થાકી જવાય એટલે શૈલીબેનની અને રેખાબેની આવતી યાદ એટલે પૂના. ક્યારેક એકલા એકલામાં વિષ્ણુથી છૂપાવીને આવતા આંસુ એટલે પૂના. અકળામણ કે કંટાળાથી ચીડવાઇને ૠતાંશની ધમાલ પર આવતો ગુસ્સો એટલે પૂના. સાજેમાંદે માથા પર ફરતો વિષ્ણુનો સ્નેહભર્યો હાથ એટલે પૂના. કાલીઘેલી વાણી અને જેનાં કિલકિલાટ હાસ્યથી એકલવાયાપણું દૂર લાગે તે પૂના. શનિ રવિ બે દિવસ જાણે રાજા-રાણી બન્યાંનું લાગે તે પૂના. ૠતાંશનાં માંદા પડવા પર ન સમજાય એવો ડર ઘેરી વળે તે પૂના. જ્યાં હું અને વિષ્ણુ અમારી 'સ્પેશ'ને મિસ કરીએ તે પૂના. અહીં રહેવા છતાં બધું પરાયું પરાયું લાગે તે પૂના.જ્યાં વિષ્ણુનાં સમજાવવા છતાં ઘરમાંથી નીકળવાનું મન જ ન થાય તે પૂના. કોઇક વાર વિષ્ણુ તરફથી મળતી રસોઈ રજા અને એની માસ્તર શેફગીરી એટલે પૂના અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જ્યાં પાણીની કાયમની રામાયણ હોય તે પૂના.

મને મારા હોવાપણાનો અહેસાસ થાય એટલે આ આવ્યું સુરત. રિક્ષામાંથી અમને ઊતરતાં જોઈને મારા સાસુનાં ચહેરા પર આવતી ચમક એટલે સુરત. ફરમાસ બિસ્કીટની સાથે થતી 'ચાય પે ચર્ચા' એટલે સુરત. વગર પૂછ્યે આવી જતાં ખમણ, ઇદળા અને પાપડપાપડી એટલે સુરત. જ્યાં બેફામ રખડવાનું મન થાય તે સુરત. 'સુરત આવી ગયા તો ઘરે ક્યારે આવશો' એવું પૂછતો ડેડીનો લાગણીભર્યો ફોન એટલે સુરત. ગેટ પર આવીને રાહ જોતી મારી મમ્મીની આંખો એટલે સુરત. ૠતાંશનું ચાર દિવસનું સેલિબ્રિટી સ્ટેટશ એટલે સુરત. વિષ્ણુની દોડધામનાં થાક છતાં મુખ પર પ્રસન્નતા અને સંતોષનું સ્મિત એટલે સુરત. 'મિમી મમ્મા'ના અવાજ વિના મારા ઘરમાં મળતી સ્પેશ એટલે સુરત. સૌથી મોટા ટાસ્ક 'ૠતાંશને જમાડવાનો' એમાંથી મળતી મારાં મમ્મી અને સાસુ દ્વારા રજા એટલે સુરત. કોઈ જ ટેન્શન વિના બેડ પર આરામથી લંબાવીને ચોપડીઓ વાંચતા વાંચતા કાચી કેરીનાં મીઠું મરચું ભરેલાં ચટકારા અને સક્કરટેટીનાં બિયાંની મોજ એટલે સુરત. અમારા પૂના પરત ફરતી વખતે બે મહિનામાં પાછા આવવાનાજ છીએ એવી ખાતરી છતાં સ્વજનોની આંખમાં આવી જતાં આંસું એટલે સુરત.

એવું નથી કે અમે અહીં સુખી નથી કે ખુશ નથી પણ ઘણીવાર અમુક પ્રસંગે તમને તમારું belonging-ness યાદ આવી જ જાય છે. Sense of belonging-ness એટલે જે ધરતી પર તમે જન્મયા ત્યાંની તમારી લાગણી, તમારું પોતીકાપણું કે જ્યાં તમને કશું અજાણ્યું ન લાગે,જ્યાં તમે 'તમે' બનીને જીવી શકો.
મને એવું કહેવામાં કોઇ છોછ નથી કે I miss Surat. સુરત miss કરવા માટે મારી પાસે મારા પોતાના કારણો છે... Yes,I miss surat.....