Saturday, February 11, 2012

એક પત્ર એમના માટે....

જે રીતે આવનારા વરસાદની ચાતકને, જે રીતે આવનારા અતિથિની કાગડાને જાણ થઈ જાય છે એમ મારા દ્વારા આ પત્ર તને લખાશે એ ભાળ તને જાણે મારા મને આપી દીધી હોય એમ મને જણાય આવતા આજે મેં  તને આ પત્ર લખવાની હિંમત કરી છે. હું નથી ચાહતો કે આ પત્ર આપણી મૈત્રીની પવિત્રતા પર પ્રશ્ન કરે. તેથી આ પત્ર વાંચવા માટે હું તને જોર કરવા ઇચ્છતો નથી. પત્રનું કોઇ પણ પદ કે કડી તને આપણી મૈત્રીની રેખાને ધૂંધળું કરતું જણાય તો એ જ ક્ષણ એને પડતો મૂકી દેજે. સાચુ કહું તો આટલી મોટી વાત તારી સામે આવીને કહું તો કદાચ કશેક શબ્દ ચૂકી જઈશ એ બીક છે. મારા દિલને અનુભવાતી દરેક ભાવના તારી સામે વ્યક્ત ના કરી શકું એ બીકે હું તને આ વાત પત્ર લખી જણાવા માંગુ છું.

દિવસો મિનિટમાં ને મિનિટો ક્ષણમાં ફેરવાઈ ગઈ. કાળે જાણે પોતે કઈ રચના કરીને એક વરસ જલદી સમાપ્ત કરી દીધું હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. હજી હમણાં જ તો આપણી મુલાકાત થઈ હોય એમ લાગી રહ્યું  છે.  જાણે છેલ્લા એક વર્ષની આપણી મૈત્રી એની એક-એક ક્ષણ મને એ મૈત્રીથી કઈ વિશેષ હોય એમ જણાવી રહી છે. તારામાં પરોવાયેલું મારું મન ક્યારે મને મિત્રતાની બીજી પાર લઈ ગયું તેની મને ખબર ના હતી એવું નથી પણ હું જો ચાહતો હોત તો પણ એને રોકી શકું એટલો પ્રબળ ના હતો. તારી સાથે વિતાવેલી એક-એક ક્ષણ આંખો સામે હજી પણ જીવંત છે. જે રીતે વરસાદી વાદળની અથડામણથી વીજળીનું ઉત્પન્ન થવું નિશ્ચિત છે, જે રીતે સૂર્યકિરણોમાં સ્નાન કરતા પુષ્પો પર ભમરાનું આકર્ષાયને બેસવાનું નિશ્ચિત છે, તે રીતે, હે સુનયના, તારામાં ખોવાયેલા એવા મારા મનનું વિચલિત થવું નિશ્ચિત હતું. હે લાવણ્યમયી, મારા હૃદયમાંથી વારંવાર એકજ પંક્તિ નીકળે છે,
તારા તરફ ન જુએ એ આંખોને ક્યાંથી લાઉં,
તારા અવાજને ન ખોજેએ કાન ક્યાંથી લાઉં,
તારા વખાણને રોકી રાખે એ જીભને ક્યાંથી લાઉં,
રોકવા તારી અસરને હું તારાથી દૂર જાઉં,
પરંતુ તારામાં ખોવાય ગયેલા દિલને હું પાછું ક્યાંથી લાઉં.


હે કામણગારી, તારા રૂપને સંપૂર્ણ રીતે માણવામાં હું નિષ્ફળ રહ્યો છું. મારી આંખો તો તારા સ્મિત માત્રથી જ મંત્રમુગ્ધ થઇ જાય છે. ગુલાબને પણ શરમાવી દે એવા તારા ગુલાબી અને કોમળ ગાલ પર જયારે ખંજન સર્જાય છે ત્યારે જાણે સક્ષાત કામદેવ તારી મનમોહકતા વધારવા આવ્યા હોય એવું લાગે છે. હે નિતંબિની, હું તારા સ્વરૂપથી નહિ, પરંતુ તારા સ્વભાવથી આકર્ષાયો છું. જે રીતે પડછાયો દેહને છોડી શકતો નથી, એ રીતે નિખાલસતા, સહજતા અને કુશળતા તને નથી છોડી શકતી. હે સુગંધા, મારું આ નાદાન મન તારા પ્રેમમાં ખોવાઈ ગયું છે. હું તને શું કામ પ્રેમ કરું છું એ વાત નો ઉત્તર મારી પાસે પણ નથી, પરંતુ હે મોહિની, તને મળ્યા પછી કોઈ પણ લલનાને તારા સમક્ષ માની સકતો નથી. બસ તને જ ઝંખતા મારા હૃદયનો સંદેશવાહક થઇ હું આજે તારી સામે ઉભો છું. આજે તારા માટે મારી પાસે માત્ર એકજ પ્રશ્ન છે,

"શું તું મારી જીવન સંગીની બનીશ?"

હું તારી રાહ જોઇશ......

7 comments:

  1. ઘણું જ ગમ્યું !!

    ReplyDelete
  2. really good...ur words have power of experience to feel...really enjoy reading and feel it also...great yaar...

    ReplyDelete
  3. very good .....સીધુંજ દિલથી શબ્દો રૂપે વાયા કલમ ઉતર્યું લાગે છે....

    ReplyDelete