Saturday, March 27, 2010

ને તમે યાદ આવ્યા...

"એ ક્યાંથી આવી ને ક્યાં ગઈ,
 વાદળી વરસીને ચાલી ગઈ."
એકાંતમાં બેઠાં-બેઠાં કાને પડેલી આ પંક્તિઓએ જૂની યાદોમાં જાણે પ્રાણ પૂરી દીધા હોય એમ નયનપટલ પર કોઈકની છબી જીવંત થઈ આવી. વારંવાર જીવંત થઈ આવતી એ યાદોને રોકવામાં હું આજે પણ નિષ્ફળ જાઉ છું. એને જીવંત કરનાર આંખો છે કે મન તે હજી સુધી હું જાણી શક્યો નથી. ક્યારેક આવી પંક્તિઓ તો ક્યારેક ઢળતી સાંજ તો ક્યારેક ઝગમગતા તારાઓ તો ક્યારેક ગરમીના સમયે તનને શીતળતા આપતો વાયરો તો ક્યારેક પોતાના જળથી કુદરતને જીવંત કરતો વરસાદ તો ક્યારેક ફૂલોની ફોરમ એ યાદોને તાજી કરાવતું રહે છે. ઘણીવાર તો એવુંયે લાગે છે કે જાણે કુદરત એની કળાથી મારા મન જોડે રમી રહ્યું હોય, તો ઘણીવાર એવું લાગે છે કે જાણે મારું મન જ એને વળગી રહેવા માંગતુ હોય. સાચુ કહું તો દિલના કોઇક ખૂણે કદાચ હું જ એને ભૂલવા માંગતો હોવ એવું પ્રતીત થાય છે.


એ દિવસે જાણે મનને પણ ખબર હોય એમ વગર કોઈ કારણ વિના જ મને એ સ્થળ તરફ લઈ જઈ રહ્યું હતું. એક તરફ આકાશમાં મેહુલિયો એની વાદળોની સેના જમાવી રહ્યો હતો, ત્યાં બીજી તરફ માટી એની ભીની સુગંધથી આવનારા પ્રથમ વરસાદની ખબર આપી રહી હતી. વખતોથી સૂર્યના તાપને પોતાનામાં સમાવનારી ધરતીને પોતાના પાણીની શીતળતા આપવા આતુર બનેલા વાદળોને જાણે મેઘરાજાએ કોઇ સંકેતની રાહ જોવા કહ્યું હોય એમ જણાતું હતું. વાદળોની ગતિએ જાણે પવનદેવને પણ નિમંત્રણ આપ્યું હોય એમ, રસ્તા પરની ધૂળને પવન પોતાની સવારીએ લઈ એમને વંટોળે ચડાવી રહ્યો હતો. પવનની ગતિ અને વાદળાઓના ગડગડાટે લોકોને આવનારા વરસાદની સૂચના આપી દીધી હતી. વેળાસર સુરક્ષિત સ્થળે પહોંચી જવા માટે લોકો તત્પર બન્યા હતા. પહેલા વરસાદનો અનુભવ લેવા ઈચ્છતા ઘણા લોકો નજરે પડતા હતા. સૂર્યના કિરણો તો કંઈ ક્યારના વાદળોની ચાદર ઓઢી ચુક્યા હતા. બાળપણમાં લખેલા" ચોમાસાની સાંજ" નિબંધને માણતા-માણતા મારા પગ મને એ દિશા તરફ ધપાવી રહ્યા હતા.


કંઈક આગળ એક ગલીમાં વળતા, એ છબી મારી આંખો સામે ધીરે-ધીરે સર્જાવા લાગી. આવનારા વરસાદથી ભીંજાય ના જવાય એ બીકથી કે પછી ક્યાંક સમયસર ના પહોંચી શકાશે એ ચિંતાથી કે પછી ચાલુ નહીં થનાર એની ગાડીથી પરેશાન થઈ હાર માની ચૂકેલી એક છોકરી મદદ કરી શકે એવી વ્યક્તિને શોધી રહી હતી. ગલીમાં લોકોની અવર-જવર ઓછી હતી અને જે લોકો આવજાવ કરી રહ્યા હતા તેઓ વરસાદની ચિંતાને લીધે કે પછી મારા પર ઉપકાર કરવાની ભાવનાથી તેની તરફ ધ્યાન આપ્યા વગર પસાર થઈ રહ્યા હતા.


અમારી વચ્ચેના અંતર અને ઉડતી ધૂળને કારણે મારી આંખો માટે એનું ચિત્રણ કરવું સરળ ન હતું, કે પછી મારા મને એનુ ચિત્રણ કરવાની પરવાનગી મારી આંખોને આપીના હોય એમ લાગતું હતું. એને મદદ કરવાના હેતુથી કે પછી કુદરતની રચેલી એ કૃતિને ન જોઈ કુદરતને અવગણી ત્યાંથી ચાલ્યા ન જવાની ઈચ્છાથી હું એ દિશા તરફ વધી રહ્યો હતો. એકપણ ક્ષણ એનાથી નજર હતાવી એ ગુનો હોય એમ માની મારા મને મારી આંખોને હુકમ કર્યો હોય એમ એકધારું એને જોતા-જોતા એની તરફ વધવા લાગ્યો. જેમ સફેદ તાજમહેલને નજર ના લાગે એ હેતુથી શાહજહાંએ કાળો તાજમહેલ બનાવાની કોશિશ કરી હતી એમ લોકોની નજરથી છુપાવવા ચેહરાને ઓઢણીથી ધાંકીને રાખવાનો એણે નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. સુર્યોદય સમયે રાતા ને પછી કાળા થઈ જતા આકાશમાં સૂર્યની જેમ પોતાનો પ્રકાશ પાથરવાના હેતુથી તારાઓ ટમટમવા લાગે છે તેમ તેના રાતા રંગના ડ્રેસ પર સફેદ બાંધણી ખીલીને જોનારની આંખોને મોહિત કરી રહી હતી. કામેચ્છાને જાગૃત કરીદે એ બધા જ અંગો જાણે કામદેવે સાક્ષાત રચ્યાં હોય એમ શોભાયમાન હતા, છતાંય જોનારની
કામેચ્છાને દબાવી જાણે એવી દૈવી શક્તિની માલિકી એની પાસે હોય એમ જણાતું હતું.


વરસાદથી ભીંજાય જવાની ચિંતા વગર ફરતા એવા મને જોઈ જાણે ખુશ થઈ હોય એમ જણાતું હતું. કદાચ મને અવાજ કરવા જ જતી હશે ને મેઘરાજે એમના તીરો ચલાવવા માંડ્યા. એ મેઘરાજાના રૂપમાં જાણે કામદેવે તીર ચલાવ્યા હોય એમ લાગવા માંડ્યું હતું. વહેલી સવારે સૂર્યકિરણો જે રીતે પર્ણ-પુષ્પ પર પડેલા
ઝાંકળને મોતી બનાવી દે છે એમ, પાણીનું એક-એક ટીપું જાણે એને દેવકન્યા બનાવી રહ્યું હતું. ભીંજાય ના જવાય એ બીકથી ગાડી સરખી કરી બાજુમાં આવેલા ઝાડ નીચે ગઈ. હોળી રમતા બાળકો શિકારને ભાગતો જોઈ પિચકારીનુ જોર વધારી દે તેમ વરસાદે એને ભાગતી જોઈને પોતાની ગતિને વધારી દીધી હોય એમ જણાતું હતું. અથાગ પ્રયત્નો છતાં ભીંજાય ગયેલી એ જાણે વરસાદને ખિજાય રહી હોય એમ લાગી રહ્યું હતું. બીજી તરફ પ્રથમ વરસાદનો અનુભવ લેવા નીકળેલો એવો હું એને નજીકથી જોઈ લેવાની લાલચમાં એ જ્યાં ઊભી હતી તે ઝાડ નીચે જઈ પહોંચ્યો.


અચાનક મને પાસે આવી ગયેલો જોઈ કઈંક ખંચવાત અનુભવતી એ ચુપચાપ વરસાદ બંધ થવાની રાહ જોતી જાણે મૂર્તિ બનીને ઊભી રહી, પરંતુ પવન દેવને જાણે મારી પર દયા આવી હોય એમ પોતાનુ જોર વધારવા લાગ્યા. વધતા જતા પવનનાં જોર સામે હાર માની લઈ હોય તેમ એ થોડી હલચલમાં આવી. આંખો સમક્ષ જાણે અપ્સરા સ્નાન કર્યા પછી પોતાના કોમળ શરીર પરથી પાણી નિતારી રહી હોય એમ એ ભીંના થયેલા કપડામાંથી પાણી કાઢી રહી હતી. એની ઉપર પડીને મોક્ષ મળસે એમ માનીને કે પછી મારી ઈચ્છાને ફળીભૂત કરવા વરસાદના ટીપાં પોતાના જીવને જોખમમાં મૂકી ઝાડના પાંદડા સાથેના યુદ્ધમાં ખરતાં-ખરતાં નીચે આવી એના વાળમાં સમાઈ રહ્યા હતા. ભીંના થયેલા વાળમાંથી પાણી લૂછવા માટે એણે એના મોઢા પર બાંધેલી ઓઢણી કાઢી ને મારા મનનાં કોઇંક ખૂણે બચી ગયેલા શકનો નાશ થયો. નખશિખ સુંદર આવી કૃતિ ભગવાને જાતે બનાવી છે એ ખાતરી મને થઈ ગઈ હતી.


જે રીતે પૂનમની રાતે ચંદ્ર વગર કોઇના કહ્યે ચાંદની પાથરી દે છે તેમ ઢંકાયેલુ મુખ ખુલતાં જ સર્વત્ર એની સુંદરતાની ચાદર પથરાય ગઈ. વાતાવરણમાં કંઇક નવી જ રોનક આવી ગઈ હોય એમ જણાતું હતું. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ જાણે એના રૂપના ગુણ ગાઈ રહ્યા હોય એમ અચાનક કલરવ કરવા લાગ્યા. એના સંપૂર્ણ તનને સ્પર્શવાની ઈચ્છા ધરાવતા પાણીના કેટલાંક ટીપાં એના વાળમાથી નીકળી એના ખભે થઇ જાણે સ્વર્ગમા જઈ રહ્યા હોય એમ એના ભીંના કપડાઓમાં સમાઈ રહ્યા હતા. તો કેટલાંક સુખની પરાકાષ્ઠા પામવા ઈચ્છતા હોય એમ, એના દૂધને પણ સફેદીનો પાઠ ભણાવતા એવા એના ગાલ પર આવીને શોભા પામતી ભીંની લતને માર્ગે પસાર થઈ ગુલાબની પાંદડીથી પણ કોમળ એવા એના હોઠને સ્પર્શ કરવા જઈ રહ્યા હોય એમ જણાતું હતું.


બેફિકર થઈ એના રૂપને નિહાળતો હું એટલો લીન થઈ ગયો હતો કે એ મારા તરફ જોઈ રહી છે એ મારા ધ્યાન બહાર રહી ગયું. મારી એ ભૂલ જાણે બહુ મોટી હોય એમ અચાનક કુદરત પણ મારાથી રીસાઈ ગઈ. એકપછી એક એને જાણવાના, નિહાળવાના કે પછી અનુભવવાના બધા રસ્તા બંધ થવા લાગ્યા. વાદળાએ થોડી વાર માટે વરસવાનુ બંધ કરી દીધું. પવને તેની ગતિને ધીમી કરી દીધી. હું મદદ માટે પૂછું એ પેહલા તેને જાતે ગાડી ચાલુ કરવાની કોશિશ કરી અને મારા નસીબમાં બચેલી એ છેલ્લી ટક પણ હાથમાંથી સરકી ગઈ. એની ગાડી ચાલુ થઈ ગઈ, એ નીકળવાની જ હશે પણ કદાચ એના મનમાં આવેલા કોઈક ભાવથી કે પછી મારા મનની વાત સાંભળીને જતાં-જતાં એની વાણી મારા કાને પહોંચાડતી ગઈ. "Thank you." એટલું કહીને એક મનમોહક સ્મિત આપી એ જતી રહી.


પ્રથમવાર આવી ઉત્તમ કૃતિ જોઈને ક્યાંયથી પણ મારામાં એક કવિએ જન્મ લીધો. મનમાં ને મનમાં રચાયેલી એ કવિતા આજેય સઃઅક્ષર યાદ આવતી રહે છે.
"એવી હતી લલના કે જેના વર્ણન માટે શબ્દ નથી,
એવું હતું એનું સ્વરૂપ કે જેના ચિત્રણ માટે રંગ નથી,
એવી હતી એની સુવાસ કે જેના સમાન કોઈ પુષ્પ નથી,
એવી હતી એની વાણી કે જેના સમાન કોઈ વાજિંત્ર નથી,
હતું તો એ સત્ય પણ આજે એના સમાન કોઈ સપનું નથી."

14 comments:

  1. ગજબ છે આ કવિતા તારી... :D

    ReplyDelete
  2. સરસ....સ્કૂલ છોડ્યા પછી પહેલી વખત આટલું ઉત્તમ કક્ષા નું ગુજરાતી સાહિત્ય વાંચ્યું.જાળવી રાખજો..
    ગુજરાતી ફોન્ટ ગૂગલ ક્રોમ માં શ્રેષ્ઠ રીતે વંચાય છે.

    ReplyDelete
  3. awesome sirjee awesome !

    ReplyDelete
  4. atlu bdh unch gujarati bahu vakhat pch vanchi... mast lkhyu che.. mane vanchta atli mehnat pdi to tne lakhta ktli thai hashe??

    ReplyDelete
  5. good to read something which is not political...

    u do better when u don't attract controversies..

    Good work

    ReplyDelete
  6. kyathi copy karyu boss????

    ReplyDelete
  7. first of all tnx for all compliments... even for last anonymous comment also...
    for last one : bro jaate lakhyu chhe (including poem).. :D ne vishavaas na hoy to em maani le ke kase thi copy karyu chhe.. :D

    @nd bau mehnate lakhaayu tu boss... 20-40min per sentence... it took 4 days to complete it... e to saaru hatu ke poem main 2nd year ma lakhi te j use kari didhi hati..

    @prem controversies vaali vastu ni pan kaik aneri maja hoy chhe bhai... :P

    ReplyDelete
  8. shu kehvu yaar... saras chhe.. keep it up.

    ReplyDelete
  9. bahu saras... well done... waiting for your next one....

    ReplyDelete
  10. kevu pade.....chevli,
    uttam,atiuttam,apratim,shresth,vagere...vagere....
    khub j saras 6e, vachvani maja aavi, lakhto rehje.

    ReplyDelete
  11. oh boss...avu ne avu lakhta rehso to kadach thoda varso ma ekad book vanchva malse...realy too good....realy!!!

    ReplyDelete
  12. it was really gr8 man to read a good gujarati article after ages.....keep up the good work.....

    ReplyDelete
  13. I think this would have been better in the format of poem than write-up.
    It's beautifully written, almost like a poem, the flow is poetic then why not the post itself :)

    ReplyDelete